પ્રાકૃતિક કૃષિ થકી ચાલુ વર્ષે ૧૮,૦૦૦ના ખર્ચ સામે રૂ.૧,૩૦,૦૦૦નો ચોખ્ખો નફો મેળવ્યો; સરકારની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરીને બાગાયતી પાકોનું વાવેતર કર્યું, પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં આગામી વર્ષોમાં વધુ વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રયાસો હાથ ધરાયા છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પાલડી ગામના ખેડૂત ભરતભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમણે પોતાના ખેતરને પ્રાકૃતિક મોડેલ ફાર્મ બનાવ્યું છે. તથા બાગાયતી પાકોનું પણ વાવેતર કર્યું છે.
તેઓ જણાવે છે કે તેમણે પોતાના ખેતરમાં પંચસ્તરીય મોડેલ ફાર્મ બનાવ્યું છે. તેમણે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મેળવી છે. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં મોસંબી, કાળીંગડા, ઘઉં, વરીયાળી, બાજરી, સુવા તેમજ શાકભાજીમાં કોબીજ, ફુલાવર, રીંગણા, મરચાં, બીટ, ટામેટાં, વાલોળ અને સૂર્યમુખીની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે. સામે તેમને કુલ રૂ. ૧૮,૦૦૦ નો ખર્ચ થયો હતો. આ ખર્ચની સામે તેમણે રૂ. ૧,૩૦,૦૦૦ નો ચોખ્ખો નફો મેળવ્યો હતો. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે.