દારૂ – ડ્રગ્સને ડામવા બનાસકાંઠા તેમજ વાવ- થરાદની પ્રજા એલર્ટ
બનાસકાંઠા તેમજ વાવ- થરાદની પ્રજાએ દારૂ,ડ્રગ્સ મામલે જાગૃતિ દાખવતાં પોલીસ પણ હરકતમાં આવી
રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં દારૂ,જુગાર, ડ્રગ્સ તેમજ અસામાજીક પ્રવૃતિઓએ માઝા મૂકી છે. બનાસકાંઠામાંથી નવનિર્મિત બનેલા વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે થોડા દિવસો અગાઉ ધારાસભ્યે જીગ્નેશ મેવાણીએ હલ્લાબોલ કર્યો હતો. જેમાં ભ્રષ્ટ પોલીસ કર્મીઓનાં પટ્ટા ઉતારી લેવાની વાતે આખા ગુજરાતમાં પટ્ટા પોલિટિકસે જન્મ લીધો છે. આ સમગ્ર વિવાદ બાદ આજે બનાસકાંઠા જિલ્લા પોલીસે ત્રણ મહિના દરમિયાન દારૂ તેમજ ડ્રગ્સ મામલે કરેલી કાર્યવાહીનાં આંકડા જાહેર કર્યા છે. જ્યારે જિલ્લાની ગ્રામીણ પ્રજા પણ હવે દારૂ- ડ્રગ્સ મામલે જાગૃત બની હોય તેમ ક્યાંક પોલીસને સામેથી બોલાવી બૂટલેગરોનાં નામ એડ્રેસ સહિતનાં લીસ્ટ પોલીસને સોંપી રહી છે, તો કેટલીક ગ્રામ પંચાયતોએ આવી બદીમાં સામેલ લોકોને પંચાયત સેવાના લાભથી વંચિત રાખવાનો અને ક્યાંક ભારે દંડની જોગવાઈનો અનોખો નિર્ણય કર્યો છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ છેલ્લા ત્રણ માસમાં પ્રોહીબિશન તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ થયેલ કાર્યવાહી અંગે પત્રકાર પરિષદ યોજી બનાસકાંઠા જિલ્લા પોલીસ દારૂ તેમજ ડ્રગ્સ મામલે ખૂબ જ કડકાઇથી કામ લઈ રહી હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ત્રણ મહિનામાં પ્રોહિબીશનનાં 3164 કેસો શોધી રૂપિયા 19,57,933 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ડ્રગ્સ મામલે પણ પોલીસે કડકાઈ દાખવી ત્રણ મહિનાની અંદર જ 136.665 કિલો ડ્રગ્સ ઝડપી રૂપિયા 42,18,040 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશન , જુદી જુદી શાખા તેમજ જુદી જુદી ટીમો બનાવી પ્રોહિબીશન તેમજ માદક પદાર્થની બદીને નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબીશનનાં ત્રણ હજાર એકસો ચોસઠ કેસોમાં 3362 આરોપીઓને ત્રણ મહિનાની અંદર જ ઝડપી પાડવામાં આવ્યા છે તેમજ એનડીપીએસ એટલે કે કેફી દ્રવ્યો જેવા કે ગાંજો, અફીણ,ચરસ, એમ. ડી. ડ્રગ્સનો 136 કિલોનો અંદાજિત 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી નશાબંધી અમલીકરણની ઝીરો ટોલરન્સની નીતિને અનુલક્ષીને જિલ્લામાં આવી બદી સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ થરાદ તાલુકાના જેટા ગામના પ્રજાજનોએ પોતાના ગામમાં પોલીસને સામેથી બોલાવી બુટલેગરોના નામનું લીસ્ટ વગેરે સોંપી હવે પછી આવી પ્રવૃતિઓ નાં થાય તે બાબતે પોલીસને રજૂઆત કરી હતી. જ્યારે વાવ તાલુકાના તીર્થગામ પંચાયતે પણ દારૂ પીનાર તેમજ વેચનારને 11 હજારનો દંડ કરવાનો નિર્ણય લઈ જાગરૂકતા દાખવી છે. એટલું જ નહિ પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતે તો દારૂ -ડ્રગ્સનું વેચાણ તેમજ સેવન કરનારને પંચાયત તરફથી મળતી તમામ સરકારી સેવાઓનાં લાભથી વંચિત કરવાનો અદભુત નિર્ણય લીધો છે .
750 થી વધુ લિસ્ટેડ બુટલેગરો પર નિયમિત વોચ રખાય છે : પ્રશાંત સુમ્બે, એસ.પી.બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની અંદર પ્રોહિબિશનનાં જુદા જુદા કેસો ત્રણ હજારથી વધુ કેસો કરી અંદાજિત 20 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ ઉપરાંત 41 લાખનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યુ છે. એટલું જ નહિ, દારૂબંધીનો કડક અમલ થાય તે માટે બે દિવસ પહેલા 750 જેટલા લિસ્ટેડ બુટલેગરોની કામગીરીની સધન તપાસ કરવામાં આવી છે. આ ડ્રાઇવ દર અઠવાડિયે ચલાવવામાં આવે છે, દારૂ, ડ્રગ્સ જેવા દુષણોને ડામવા બનાસકાંઠા પોલીસ સક્રિય હોવાનું જિલ્લા પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું હતું.
ગ્રામીણ પ્રજાજનો પણ દારૂ, ડ્રગ્સની બદીને ડામવા એક્શન મોડમાં
બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાની ગ્રામિણ પ્રજા પણ દારૂ, ડ્રગ્સ જેવા દુષણોને ડામવા હવે જાગૃત બની છે. આજે પાલનપુર તાલુકાની છાપરા ગ્રામ પંચાયતે દારૂ, ડ્રગ્સનું સેવન તેમજ વેચાણ કરનારને પંચાયત તરફથી મળતી સરકારી સેવાઓનાં લાભથી વંચિત રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યારે વાવ થરાદ જિલ્લાની પ્રજા પણ આ મુદ્દે જાગૃત બનતાં વાવની તીર્થગ્રામ પંચાયતે પણ દારૂ, ડ્રગ્સનું સેવન તેમજ વેચાણ કરનારને 11 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. જ્યારે થરાદની ઝેટા ગ્રામ પંચાયતે તો બૂટલેગરોનાં આખે આખા નામ સરનામાં સહિતના લીસ્ટ પોલીસને સોંપી જાગરૂકતાની બેનમૂન મિશાલ રજૂ કરી છે.

