જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના નેતૃત્વમાં 109 જવાનોએ પરીક્ષા આપી
10 વર્ષ બાદ રેન્ક ટેસ્ટ પરીક્ષાનું આયોજન થતાં હોમગાર્ડઝ જવાનોમાં ખુશાલી: બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન માટે બોર્ડર વિંગ તાલીમ કેન્દ્ર દાંતીવાડા ખાતે બે દિવસીય રેન્ક ટેસ્ટ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાભરના 109 જેટલાં હોમગાર્ડઝના જવાનોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 1500 થી વધુ હોમગાર્ડઝના જવાનો રાત-દિવસ પૂરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે,પરંતુ હોમગાર્ડઝના જવાનોને માનદ્દ એનસીઓઝની પરીક્ષા ઘણા સમયથી ન થતાં જવાનો પ્રમોશનથી વંચિત રહી ગયા હતાં.
જોકે, બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા તા. 15 અને 16 જાન્યુઆરી દરમિયાન બોર્ડર વિંગ તાલીમ કેન્દ્ર દાંતીવાડા ખાતે બે દિવસીય રેન્ક ટેસ્ટ પરીક્ષા યોજવામાં આવી હતી. રેન્ક ટેસ્ટ પરીક્ષાને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો ઉપરાંત હોમગાર્ડઝના જવાનોએ પણ સાથ સહકાર પુરો પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પછી બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડઝના જવાનો માટે ઉત્સાહી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા કોઈ જવાનને અન્યાય ન થાય તે માટે નિષ્પક્ષ અને ન્યાયિક રેન્ક ટેસ્ટ પરીક્ષા યોજવામાં આવતાં જવાનોમાં પણ ખુશી જોવા મળી હતી.