પાલનપુરની પ્રથમ મહિલા પાયલોટ કોંગ્રેસમાં જોડાઇ, જિલ્લા પ્રમુખે ખેસ અર્પણ કર્યો
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી પંચની મદદથી મતદાર યાદીમાં ગડબડીઓ સર્જી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે. પાલનપુરની પ્રથમ મહિલા પાયલોટ કોંગ્રેસમાં જોડાઇ હતી, જેને જિલ્લા પ્રમુખે ખેસ અર્પણ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસે શુક્રવારે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી પંચની મદદથી મતદાર યાદીમાં ગડબડીઓ સર્જી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખે વોટ ચોરી અંગેના પાંચ પ્રકારના કૌભાંડની વિગત આપતા જણાવ્યુ હતુ કે,એક જ વ્યક્તિના નામો એકથી વધુ વખત નોંધાયેલા હોય એવા ડુપ્લીકેટ મતદારો, 0 નંબરના મકાન જેવા ખોટા સરનામાં, એક સરનામે અનેક મતદારો, અયોગ્ય ફોટા, તથા ફોર્મ નં-6 નો દુરુપયોગ કરીને ચુંટણી જીતવાનું ષડયંત્ર કરી રહી છે. દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચને સવાલો ઉઠાવતાં નિષ્પક્ષ ચૂંટણી યોજવાની માંગ કરી હતી. સાથે સાથે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્તરે વોટ ચોરીના પુરાવા રજૂ કરી ભાજપ પર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવ્યો હતો.આ કાર્યક્રમમાં દીનેશ ગઢવી, ઝાકીર ચૌહાણ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયાં હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા ઉપપ્રમૂખ મુકેશ ચૌહાણે કર્યું હતું.
આ પત્રકાર પરિષદ દરમિયાન પાલનપુરની મહિલા પાયલોટ રાગિની આઈ.પરમાર કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા હતા. જિલ્લા પ્રમુખે તેમને ખેસ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.રાગિની પરમારે બી.એસ.સી. તથા કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ મેળવી 7 વર્ષ સુધી એર ઈન્ડિયામાં કો-પાયલોટ તરીકે સેવા આપી હતી.2023 માં એર ઈન્ડિયા છોડી તેઓ અકાસા એરલાઈન્સમાં જોડાયા હતા. હવે તેઓ સમાજ સેવા અને રાજનીતિ ક્ષેત્રે નવા પ્રસ્થાનની શરૂઆત કરી રહ્યા છે.

