પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતની આત્મ વિલોપન કરવાની ચીમકી: ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે જન આક્રોશ સભા યોજાઈ હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ સ્વખર્ચે આવી હાજરી આપી હતી. સભામાં અગ્રણીઓએ આક્રોશ સાથે બનાસકાંઠામાં રહેવા જણાવેલ.જેમાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવેલ કે શંકરભાઈ ધાનેરા તાલુકાને નર્મદાનું પાણી મળે કે સીપુનું વરસાદથી દરિયામાં જતું અટકાવી તળાવો ભરવા માટે યોજના અમલમાં આવેલી પરંતુ આપ કેબિનેટમાં હોઇ તે કેન્સલ કરાવી હતી.આપ ત્રણ ત્રણ વિધાનસભા સીટ બદલી છતાં પ્રજાની નાડ પારખી શક્યા નથી. હવે તો પાછા વળો પ્રજા આપને વધાવી લેશે. બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવા ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ ઉગ્ર આદોલન કરશે તો હું પ્રથમ આત્મ વિલોપન કરીશ તેમ પણ ઉમેર્યું હતું.
21મી એ ધાનેરા શહેરમાં સવારે કેટલીક દુકાનો ખુલ્લી હતી જે દુકાનદારોને કાર્યકર્તાઓ રૂબરૂ મળી વિનંતી કરતા દુકાનદારોએ પોતાની દુકાનો બંધ કરી બંધને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.રીક્ષા ચાલકો પણ રીક્ષાઓ બંધ રાખી સભા સ્થળે મફત લઈ જતા હતા. આ બાબતે નથાભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), માવજીભાઈ પટેલ (વર્તમાન ધારાસભ્ય), પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ડામરાજી રાજગોર, બળવંતસિંહ બારોટ, હરિસિંહે જિલ્લા વિભાજનથી પ્રજાને પડનારી મુશ્કેલીઓ વર્ણવી બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવા સરકાર સમક્ષ માંગ કરી હતી. જ્યારે હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રજાના આટલા ઉહાપોહ પછી પણ સરકાર અમારી વ્યાજબી માંગણી નહીં સંતોષે તો ટ્રેક્ટરો દ્વારા ગાંધીનગર જઈ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી.