નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરની સરાહનીય કામગીરી: મહિલાના ઘર મુજફ્ફરપુર-બુધનગરા ખાતે દિવાળી જેવો માહોલ, બિહારના મુજફ્ફરપુરથી પાલનપુર પહોંચી ગયેલાં માનસિક રોગગ્રસ્ત કિરણબેનના સંઘર્ષની હૃદયસ્પર્શી કથા
પરિવારથી વિખૂટા પડવું એ જીવંત રહીને પણ અધૂરા જીવન જેવું ગણાય છે. પોતાના પરિવારથી વર્ષો સુધી દૂર થઈ જવાનું દુઃખ વર્ણવી શકાય તેવું હોતું નથી. આવી જ એક સંઘર્ષની હૃદયસ્પર્શી કથા છે, બિહારના મુજફ્ફરપુરના બુધનગરાના કિરણબેન સાહનીની. આ બહેન ૧૫ વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફત પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેમની માનસિક સ્થિતિ સારી ના હોઈ તેઓ ટ્રેન મારફત પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા. અહીં તેઓ અલગ અલગ ગામડાઓમાં ભીખ માગીને પોતાનું જીવન ગુજારતા હતા. માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.
આ અંગે નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર નીલોફર દિવાનએ જણાવ્યું કે, આજથી લગભગ છ મહિના પહેલા કિરણબેનને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી. આ બહેન કંઈપણ બોલી કે વિચારી શકે તેવી હાલતમાં નહોતા. તેઓ વ્યક્તિને જોઈને મારવા માટે દોડતા હતા. આક્રમક વ્યવહાર સાથે તેઓ રડતા રહેતા હતા. પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા આ બહેનનું કાઉન્સિલિંગ કરવા પ્રયત્નો કરાયા પણ આ બહેન કશું જ બોલી શકતા નહોતા. બહેનની સ્થિતિને જોતા નારી કેન્દ્ર દ્વારા સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલ, પાલનપુર ખાતે મનોચિકિત્સક વિભાગમાં સારવાર કરાવવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, સારવાર અને કાઉન્સિલિંગ થકી આ બહેનના પરિવાર વિશે જાણવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. મહિનાઓ પછી બહેનની સ્થિતિ સારી થતા તેઓ મુજફ્ફરપુર નગર અને ટ્રેન જેવા શબ્દો બોલતા થયા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુર દ્વારા મુજફ્ફરપુર બિહાર ખાતે ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરનો નંબર મેળવી તેના કેન્દ્ર સંચાલક જોડે વાતચીત કરી હતી. આ બહેનની માહિતી ત્યાં મોકલતા ત્યાંના સેન્ટર દ્વારા અલગ અલગ ગામડાઓમાં તપાસ કરતા બહેનનું ઘર મળી આવ્યું હતું. તેમણે આશ્રિત બહેનના ભાઈનો કોન્ટેક નંબર મેળવી આપ્યો હતો. પાલનપુરની ટીમ દ્વારા આ નંબર પર સંપર્ક કરી ખરાઈ કરાઈ હતી તથા તેમના ભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧૫ વર્ષ અગાઉ અમારા બહેન ગુમ થયા હતા. તમામ માહિતીને ક્રોસ ચેક કરાઇને વિડિયોકોલ મારફત ભાઈ-બહેનની વાતચીત કરાવતા બંને એકબીજાને ઓળખી ગયા હતા અને ભાવુક થઈને રડવા લાગ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની મંજૂરી અને માર્ગદર્શન હેઠળ આજરોજ આ બહેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા પોલીસ એસ્કોર્ટ વાહન સાથે રવાના કરાયા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના આ ભગીરથ કાર્ય બદલ જિલ્લા કલેકટરએ તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અહીં નોંધનીય છે કે, મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે પીડિત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનવ તસ્કરીનો ભોગ બનેલી ૧૮ થી ૫૯ વર્ષની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને શૈક્ષણિક, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત બહેનો પગભર બની શકે તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ, સામાજિક, ધાર્મિક વિવિધ તહેવારોની પણ અહીં ઉજવણી થાય છે. બહેનોનું કાઉન્સિલિંગ કરી તેમના પુનઃસ્થાપન માટે કામગીરી કરાય છે. આજે મહિલા ૧૫ વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે તેમના પરિવાર માટે દિવાળી જેવો માહોલ બન્યો છે.