પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી.
ઈદગાહ ખાતે મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે મૌલાના ઈમરાને દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાતાલાને મુસ્લિમ બિરાદરો દ્રારા દુવા ફરમાવવામાં આવી હોવાનું જણાવી પુલવામા બનેલા આતંકવાદી હુમલાને શખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ સહિત શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સુચના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરી ઈદની સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં કોમી એખલાસ અને હર્ષોલ્લાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.