પર્યાવરણની જાગૃતિ માટે શાળાઓમાં પ્રવચન, ફિલ્મ શો, માહિતીનું આદાન-પ્રદાન, નિબંધ લેખન સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ ગુજરાત વન નિર્માણ વિકાસ યોજના હેઠળ ઇકો ક્લબની શાળાઓમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ હેઠળની દાંતા રેંજની વિવિધ શાળાઓમાં જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. દાંતા તાલુકાની પી.એમ.શ્રી, મોડલ સ્કુલ,જગતાપુરા સહિત વિવિધ શાળાઓમાં વિશેષજ્ઞો દ્વારા પ્રવચન, ફિલ્મ શો/માહિતીનું આદાન-પ્રદાન અને નિબંધ લેખન,ચર્ચા સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી.
ઇકો-ક્લબ આધારિત પ્રકૃતિ શિક્ષણની પ્રવૃત્તિઓ એ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER)ના મુખ્ય કાર્યક્રમો પૈકીનો એક છે. આ પેટા – ઘટકનો અમલ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (GEER) દ્વારા હાથ ઘરવામાં આવે છે. દાંતા રેન્જના કાર્યક્ષેત્રની શાળાઓમાં શાળાના બાળકોને વન્યજીવ અને પર્યાવરણ વિશે માહિતગાર કરાયા હતા. આ સાથે શેરી નાટક, પ્રવચન દ્વારા અને પ્રોજેકટર ઉપર ફિલ્મ શો બતાવી બાળકોને રસપ્રદ માહિતી અપાઈ હતી.