ગામમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા 100 થી વધુ શોષકુવા બનાવાયા; સરકાર દ્વારા વરસાદી પાણી બચાવવા માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ સંચય કરવાના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ભાગળ ગામે વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે ખેડૂતો દ્વારા 100 થી વધુ શોષ કુવા બનાવવામાં આવ્યા છે. ઊંડા ગયેલા જળ સ્તરને ઉંચા લાવવા માટે ખેડૂતો શોષ કૂવાના વિકલ્પને પસંદ કરતા થયા છે.
પૂર્વમાં પર્વતીય અને પશ્ચિમમાં રણ પ્રદેશ ધરાવતા સરહદી પછાત બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, વડગામ, ડીસા,ધાનેરા,અમીરગઢ, દાતા સહિતના તાલુકાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણીના તળ સતત ઊંડા જઇ રહ્યા હોઇ સિંચાઈના પાણીની સમસ્યાને લઇ ખેડૂતો પરેશાન બન્યા હતા. જેમાં સિંચાઇના પાણી માટે ખેડૂતો બોર બનાવે છે પરંતુ પેટાળમાં પથ્થર હોવાથી બોર ફેલ થઈ રહ્યા છે. જેને લઇ ખેડૂતો ખેતી કરી શકતાં નથી અને ભૂગર્ભ જળ ઉંચા લાવવા બીજો કોઈ વિકલ્પ ન હોવાથી સરકાર પણ પાણીના તળ ઊંડા જતા ચિંતિત બની છે. અને જળ સંચય અભિયાન શરૂ કર્યું છે. જેમાં વડાપ્રધાન દ્વારા કેચ ધ રેઈન અભિયાન શરૂ કરાતા ખેડૂતો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના નાના સરખા ભાગળ ગામમાં 100 શોષ કુવા બનાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરોમાં શરૂઆત કરી છે. જેમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા શોષ કુવા બનાવવામાં પહેલ કરવામા આવી છે.
ભાગળ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદી પાણી જમીનમાં ઉતારી પાણીના તળ ઉપર લાવવા માટે ખેતરોમાં શોષ કુવા બનાવીએ છીએ. જેમાં જમીનમાં પાણી સાથે કોઈ કચરો કે માટી અંદર નાં જાય તે માટે સાત ફૂટ ઊંડો અને ચાર બાય ચારની પહોળાઈનો શોષ કૂવો બનાવવામાં આવે છે. જેમાં મોટા માટીનાં ટુકડા ભરવામાં આવે છે. જેથી પાણી જમીનમાં જમીનમાં ઉતરે અને કચરો બહાર રહે છે.
શોષ કુવા બનાવવા બનાસ ડેરી આર્થિક મદદ કરે છે; કેચ ધ રેઈન અભિયાન અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવા શોષ કુવા બનાવવામાં બનાસ ડેરી દ્વારા ખેડૂતોને 50 ટકા રકમની સહાય કરવામાં આવે છે.જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે..અને નાના ખેડૂતો પણ આ જળ સંચય કામ કરી શકે છે.