પાકિસ્તાનમાં એક વખત આતંકીઓએ હુમલો કર્યો છે. પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હુમલો કર્યો છે. હુમલાને અંજામ આપ્યા બાદ આતંકવાદીઓએ ઘટનાસ્થળેથી ભાગતા પહેલા નજીકની સિમેન્ટ ફેક્ટરીની મશીનરી અને સાધનોને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ આ આતંકી હુમલાની માહિતી આપી છે. આ ઘટના ગુરુવારે મસ્તુંગ શહેરમાં બની હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ ચોકી પર સુરક્ષાકર્મીઓની ડ્યુટી બદલાઈ રહી હતી. સશસ્ત્ર આતંકવાદીઓએ પોલીસ પાસેથી બંદૂકો, દારૂગોળો, વાયરલેસ સેટ, મોટરસાઇકલ છીનવી લીધી અને સિમેન્ટ ફેક્ટરીમાં સાધનોને આગ ચાંપી દીધી. સુરક્ષાકર્મીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ આતંકીઓ ફરાર થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત જૂથોના શંકાસ્પદ સભ્યોએ બલૂચિસ્તાન પ્રાંતના દૂરના વિસ્તારમાં આવેલા ખુઝદારમાં આવો જ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ એક બેંકમાં લૂંટ ચલાવી અને ત્યાંથી ભાગતા પહેલા એક પોલીસ સ્ટેશનને સળગાવી દીધું.