ગંભીર હદે ઘાયલ નંદીને પાલનપુરમાં સારવાર અપાઇ; પાલનપુર તાલુકાના મડાણા (ડાંગીયા) માં તાજેતરમા અજાણ્યા ઇસમો દ્વારા એક આખલાના બે પગ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. જે અંગે પાલનપુરના ગૌપ્રેમીને જાણ કરવામાં આવતા આ ઇજાગ્રસ્ત આખલાને સારવાર પૂરી પાડી બનાવ અંગે ગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગઢ પોલીસે આખલા પર હુમલો કરનાર બે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતા.
પાલનપુરમાં અબોલ જીવોને સારવાર અને સેવા પૂરી પાડતા જ્ય ગૌસેવાના અરવિંદભાઇ જગમાલભાઇ ચૌધરી પર તાજેતરમા કોઈ ઈસમે ફોન કરીને જણાવ્યું હતું કે ચંડીસર -દાંતીવાડા હાઇવે પર આવેલ મડાણા (ડાંગીયા) ગામે અજાણ્યા ઇસમોએ એક આખલાના બે પગો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઘાયલ કરેલ છે. જેને લઇ આ જીવદયા પ્રેમી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત આખલાને સારવાર આપી આખલા પર ક્રૂરતા આચરનાર અજાણ્યા ઇસમો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઢ પોલીસે સઘન તપાસ હાથ ધરી આખલા પર હુમલો કરનાર ડાહ્યાભાઇ દેવાભાઇ માજીરાણા (રહે. ચંડીસર હાલ રહે. મડાણા -ડાં) અને અશોકભાઇ મફાભાઈ ચૌહાણ (રહે.મડાણા -ડાં) ને ઝડપી પાડયા હતા.જોકે આરોપીઓ ખેતરની રખેવાળી કરતા હોઇ અને આ આખલો ખેતરમાં નુકશાન કરતો હોઇ તેમને આખલાના પગ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ક્રૂરતા આચરી હોવાની કબૂલાત કરી હતી.