વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત પાંચમાં વર્ષે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ‘અરાવલી ગ્રીનવોલ’ રચવાના ઉમદા હેતુસર ગબ્બર–અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયં સેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર ૧ કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરાશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગત જનની માઁ અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી. અંબાજી ખાતે માઁ અવનીને વૃક્ષરૂપી લીલી ચુંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અંબાજી સહિત જેસોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે. પર્વતોને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો. આવનાર સમય તમામ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. આ પહાડોમાં વરસાદ રૂપે પડતું પાણી બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીને જીવંત બનાવે છે. બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડબોલ બનાવ્યા છે જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પડાયું છે. અધ્યક્ષએ પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભેટ આપતા અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકો સિસ્ટમને ફાયદો થવાનો છે ત્યારે બનાસ ડેરી દ્વારા સતત પાંચ વર્ષથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આજે ગબ્બર – અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું.
સીડબોલ શું છે?
બનાસ ડેરીની જુદી જુદી દૂધ ઉત્પાદક મંડળીની મહિલા પશુપાલકો પાસે પશુઓના ગોબરમાંથી નાના નાના ગોળા તૈયાર કરાવવામાં આવે છે અને તેમાં જે તે વિસ્તારને અનુરૂપ ઓછા પાણીએ કુદરતી રીતે ઝડપી ઉગી નીકળતા વૃક્ષોના બીજડાને એકત્ર કરીને ગોબરમાંથી ગોળ દડાના સ્વરૂપમાં ગોળો બનાવવામાં આવે છે તેને સીડબોલ કહેવાય છે. આ સીડ બોલને જંગલમાં જરૂરી જગ્યાએ મૂકી દેવામાં આવે છે અને ચોમાસા દરમ્યાન તેની ઉપર વરસાદનું પાણી પડતાની સાથે જ ગોબરના બોલમાં ભેજ પ્રવેશતા અંદર રહેલ બીજ અંકુરીત થાય અને એક ઝાડ ઉગવાની પ્રક્રિયા શરૂ થાય છે.