બે દિવસ અગાઉ સરકારી જમીન પર કબજો કરતા ઈસમો સામે રજૂઆત કરી હતી: ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક શખ્સોએ ગેરકાયદેસર કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ બે દિવસ અગાઉ રજૂઆત કરનાર ગામના વ્યક્તિ ઉપર આ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજીરાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલ છે. તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. તેઓએ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર અને પાવડા વડે લેવલ કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતાં ગામના જાગૃત નાગરિક હરજીભાઈ ભૂતડીયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ તા. 9 જાન્યુઆરીના રોજ રજૂઆત કરી હતી.
જે બાબતની અદાવત રાખી આ જગ્યા પર કબજો કરનાર દિનેશભાઈ ધનરાજભાઈ પાંત્રોડ, જયંતીભાઈ નાનજીભાઈ પાંત્રોડ, અશોકભાઈ નાનજીભાઈ પાંત્રોડ, ડાયાભાઈ સવાભાઈ પાંત્રોડ અને ભરતભાઈ ધનરાજભાઈ પાંત્રોડે ભેગા મળી હરજીભાઈ આજે જ્યારે પોતાના બાળકોને શાળાએથી લઈને આવતા હતા ત્યારે ધારિયું,લાકડી અને વાંસી વડે હુમલો કરતા હરજીભાઈ અને તેમના બાળકો નાસી છૂટ્યા હતા. જેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે હરજીભાઈ ભુતડીયાએ પાંચેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડા,ડીસા નાયબ કલેકટર સહિતને લેખિત ફરિયાદ કરી છે.