માલપુરના મંગલપુર ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું
શિયાળો આવે એટલે તસ્કરો સક્રિય થતા હોય છે અને ઠંડીના કારણે તસ્કરી કારવામાં સફળ પણ થતા હોય છે. ત્યારે કકડતી ઠંડીનો લાભ લઇ માલપુરના મંગલપુર ગામે તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો.માલપુરના મંગલપુર ગામે રહેતા જયેન્દ્ર સિંહ રાઠોડ કે જેઓ શિક્ષક છે અને હાલ તેઓ મોડાસા રહે છે. ઉત્તરાયણના દિવસે તેઓ મોડાસા હતા અને મંગલપુરનું મકાન બંધ હતું. તે દિવસે કોઇ ચોર તસ્કરો બંધ મકાનનો લાભ લઈને મકાનના આગળના ભાગથી મકાનમાં પ્રવેશ્યા હતા. ઘરના અંદરનું બારણું તોડી તમામ તિજોરી કબાટના તાળા તોડી કબાટમાં રહેલા સોના ચાંદીના દર દાગીનાની તસ્કરી કરી, ફરિયાદી જયેંદ્ર રાઠોડે લખાવ્યા મુજબ અને પોલીસે ફરિયાદમાં નોંધ્યા મુજબ 29.90 લાખ રૂપિયાના મુદ્દામાલની તસ્કરી કરવામાં તસ્કરો સફળ રહ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈ માલપુર પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું પંચનામું કરીને ફરિયાદી પાસેથી ચોરીમાં ગયેલા દર દાગીનાની વિગત મેળવી તપાસ હાથ ધરી હતી. એફએસએલ ડોગ સ્કવોર્ડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને જિલ્લામાં આ વર્ષની સૌથી મોટી ચોરીની ઘટનાને લઈ જિલ્લા એલસીબી, એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે.