ભિલોડાના વાદીયોલ ગ્રામ પંચાયત હેઠળની અસાલ ગામમાં આવેલી આંગણવાડીમાં ઘટના બની
એક તરફ રાજ્ય સરકારના બાળ વિકાસ વિભાગ દ્વારા નાના ભૂલકાઓને સુવિધા સભર પાયાનું જ્ઞાન મળી રહે તે માટે આંગણવાડીઓ બનાવવામાં આવી છે પણ હજુ કેટલીક આંગણવાડીઓ એવી છે કે વર્ષો થી જર્જરિત અને જોખમી છે. ત્યારે ભિલોડાના અસાલ ગામની આવી જ એક જર્જરિત આંગણવાડીના છત પોપડા પડતાં સ્થાનિકોમાં ડર ફેલાયો છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. જોકે આ આંગણવાડી ગ્રામજનોને જર્જરિત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં આવેલા મંદિરમાં બાળકો બેસાડતા હોવાને લઇ ત્રણ માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી.
બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ 12 આંગણવાડી સહિત 275 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી, પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે, આઇસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર આક્ષેપો ઉઠવા પામ્યા છે આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે.