માતા બનવાની ખુશી થી વધુ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ફરજ બજાવતા ખુશી અનુભવતી કોરોના વોરિયર્સ
રખેવાળ ન્યુઝ, અરવલ્લી
આમ તો માતૃત્વ ધારણ કરવાનો પહેલો પ્રસંગ હોય તેની ખુશી સૌથી વધારે માતાને હોય,જે પોતાના આવનાર બાળકને લઇ સૌથી વધારે ચિંતિત હોય, તો વળી સર્ગભા અવસ્થામાં ઘરનો ઉંબરો ઓળંગી બહાર જવાનું ય મહિલાઓ મુનાસીબ માનતી નથી ત્યારે કોરોના જેવી મહામારીમાં પોતાના ઉદરમાં ઉછરતા ગર્ભની સાવચેતી રાખી લોકોના આરોગ્યની દરકાર કરી સાચા અર્થમાં કોરોના યોદ્ધા તરીકે મોડાસાની આરોગ્ય કર્મચારી રચના પંડ્યા ફરજ બજાવી રહી છે કંટેનમેન્ટ વિસ્તારમાં લોકોને હિંમત આપવાની સાથે મિલનસાર સ્વભાવથી લોક જાગૃતિનું કામ પણ કરી રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં કોરોનો પ્રભાવ ગામથી લઇ શહેર સુધી વિસ્તર્યો કે ૧૧૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા એમાંય એકલા મોડાસા શહેરમાં જ ૩૭થી વધુ કોરોના પોઝિટીવના કેસ નોંધાયા જેને લઇ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયા એવા વિસ્તારમાં માત્ર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ પર પ્રતિબંધ આવી ગયો, ત્યારે સૌથી મોટી જવાબદારી આરોગ્ય વિભાગના શિરે આવી જાય છે, આવા કોરોના પ્રભાવિત વિસ્તારમાં અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે લોકોના આરોગ્ય સરવે હાથ ધરાય છે અને આ સરવેના પાયામાં કામ કરે છે ફિમેલ હેલ્થ વર્કર
શહેરમાં કોરોનાના ૩૭ કેસ હોય ને એમાંય ૪ લોકોના મોત નિપજ્યા છે આ વિસ્તારમાં જવાના નામ માત્રથી પગ ધ્રુજી ઉઠે
ત્યારે પોતાના ઉદરમાં ઉછરતા પાંચ માસના ગર્ભ સાથે લોકોને કોરોનાથી બચાવવાનું કામ મોડાસા તાલુકા આરોગ્ય કેન્દ્રમાં કામ કરતી ફિમેલ હેલ્થ વર્કર રચના પંડ્યા કરી રહી છે.કોરોનાનું સંક્રમણનું જોખમ વૃધ્ધો-બાળકો અને સર્ગભા મહિલાઓ પર હોય છે
મોડાસા શહેર કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં હેલ્થ સ્ક્રિનિંગ કરી ૨૪ વર્ષિય રચના પંડ્યાના જણાવ્યા અનુસાર,બે વર્ષ અગાઉ જ આ નોકરીમાં જોડાઇ, જેમાં લોકોના આરોગ્યની ચિંતાએ અમારી કામની પ્રાથમિકતા છે. તો અત્યારે ચાલતા કોરોનાની મહામારીમાં જો બધા જ ઘરમાં રહે તો કોઇએ તો આગળ આવવું પડશે ને, અત્યારે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની અસરમાં આવી ગયા છે ત્યારે મારા પતિ પણ એક આરોગ્ય કાર્યકર તરીકે ભિલોડા તાલુકામાં કામ કરી રહ્યા છે ત્યારે તેમણે પણ સર્વેની કામગીરી સતત ચાલુ હોય તો અમારે પતિ-પત્નીને જોડે રહેવુ અશક્ય હતું તો મારી આવી પરિસ્થિતિમાં કોઇ વ્યક્તિતએ તો જોડે હોવુ જોઇએ, જેથી મારી મમ્મી ગોધરાથી અહિ આવી ગયા એ પણ મારા બે ભાઇઓ અને પપ્પાને ત્યાં જ મુકી ને. કોરોનાના શરૂઆતના તબક્કેથી જ અમે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ચાલતી તે સમયથી પરીક્ષાર્થીઓનું થર્મલ સ્કિનિંગથી લઇ, લોકોન હોમ કોરોન્ટાઇન કરવાના,સર્ગભા મહિલાઓનુ સર્વે અને હેલ્થ એજ્યુકેશન આપવાનું કામ કર્યુ જેના પરીણામે પ્રથમ તબક્કામાં ઓછા કેસ નોંધાયા,વધુ વાત કરતા રચના કહે છે, પોતાના માતા બનવાની ખુશી વધારે હોય પણ તેથીય વધુ ખુશી ત્યારે મળે જયારે સામાન્ય લોકોને અહેસાસ કરાવીએ કે કોરોનાના કપરા સમયે આરોગ્ય તંત્ર કાયમ આપના પડખે જ છે.
સર્ગભા અવસ્થામાં પણ કોરોના પ્રભાવિત વિસ્તારમાં જઇ આરોગ્યનુ સરવે કરતી રચનાના રચનાત્મક કદમ કોરોનાને જરૂર હરાવશે. સ્વહિત કરતા જન હિતની ચિંતા કરતા આવા અનોખા કોરોના વોરીયરને સાચે જ દિલથી જ સલામ કરવાનું મન થાય.