ધનસુરાના જૂની શીનોલ ગામે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
કાચા નાળિયા અને લાકડાથી બનેલા મકાનો હોય તેમાં ક્યારેક આગ કે અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય છે. આવી જ એક ઘટના ધનસુરાના જૂની શીનોલ ગામે બનવા પામી છે.ધનસુરાના જૂની શીનોલ ગામે રહેતા લવજી ભાઈ પ્રજાપતિનું મકાન કાચું અને લાકડા તેમજ નળિયાનું બનેલું છે. આ મકાનમાં સાંજના સુમારે આગની ઘટના સામે આવી ઘરના સદસ્યો મકાનમાં હતા એ સમયે અચાનક આગના ધુમાડા નીકળતા ભારે અફરા તફરી જોવા મળી હતી.
આગ લાગતાની સાથે પરિવારના સદસ્યો બહાર નીકળી ગયા હતા. આસપાસથી ટોળા ઉમટી પડ્યા હતા પણ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. જેથી મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઇ નથી. આગ લાગતા ગરીબ ખેડૂત લવજી ભાઈ પ્રજાપતિના ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી. જો કે પરીવારના સદસ્યોનો આબાદ બચાવ થયો છે.