શામળાજીની અસાલ GIDCમાં સાતમા દિવસે આગ કાબુમાં આવી
ઘણી વખત કોઈપણ યુનિટમાં અકસ્માતે આગ લાગતી હોય છે. ત્યારે તેના યુનિટમાં રહેલા પદાર્થની જ્વલનશીલતા તીવ્ર હોવાના કારણે આગ પર કાબુ મેળવવો અઘરો થઈ જતો હોય છે. ત્યારે શામળાજીની અસાલ જીઆઇડીસીમાં આવેલ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ પર સાત દિવસે આજે કાબુ મેળવાયો હતો.ગત 25 ઓક્ટોબરના રોજ શામળાજી પાસે અસાલ ગામે આવેલ જીઆઇડીસીની ઇકોવેસ્ટ મેનેજમેન્ટ નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ કેમિકલ એટલું જ્વલનશીલ હતું કે ફેક્ટરી આસપાસ રહેલા કેમિકલ ભરેલ તમામ ટેન્કર અને ફેક્ટરીમાં રહેલું અન્ય કેમિકલ પણ બળીને આગની જ્વાળાઓમાં લપેટાયુ હતું. જેના માટે મોડાસા નગરપાલિકાનું ફાયર યુનિટ સતત આગ કાબુમાં લેવા કામે લાગ્યું હતું. સાથે ગાંધીનગર, દહેગામ, હિંમતનગર અને ઇડરની ફાયરની ટિમો પણ આગને કાબુમાં લેવા માટે કામે લાગી હતી પણ કેમિકલની તીવ્રતાના કારણે સતત સાત દિવસ સુધી આગ ચાલુ રહી હતી અને ફેક્ટરીમાં કરોડોનું નુકશાન થયું છે.
આજે મોડી સાંજે મોડાસા ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો હોવાનું જણાવ્યું હતું. જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આ ઇકોવેસ્ટ મેનેજમેન્ટ કેમિકલ કંપની 4 માસથી બંધ હોવાથી જાનહાની થઈ નથી.