મોડાસાના ઇસરોલ પાસે એકસાથે 5 ખેતરોમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા
આજકાલ શિયાળાની ઋતુ પુર બહાર ખીલી છે ત્યારે આવી ઠંડીના સમયે રાત્રે તસ્કરોને પણ જાણે સિઝન આવી હોય એમ રાત્રિ દરમિયાન તસ્કરી શરૂ કરી છે. તસ્કરોએ ખેડૂતોને પણ છોડ્યા નથી. ત્યારે મોડાસાના ઇસરોલ-શામળાજી હાઇવેના ખેતરોમાંથી તસ્કરીની ઘટના સામે આવી છે.મોડાસાના મોટી ઇસરોલથી શામળાજી તરફના ખેતરોમાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે. ત્યારે બટાકાના પાકમાં ટપક પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે તે માટે દરેક ખેતરોમાં બોર હોય છે. આ બોરમાંથી પાણી લેવા ઇલેક્ટ્રિક મોટર અને કેબલો પણ ઉપયોગમાં લેવાતા હોય છે. જે કેબલોને તસ્કરોએ રાત્રિ દરમિયાન એક સાથે પાંચ ખેતરોમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
મોટી ઇસરોલથી જીવણપુર સુધીના પાંચ અલગ અલગ ખેતરોમાંથી એક લાખ કરતા વધુની કિંમતના કેબલની ચોરી કરી હતી. ખેડૂતોને ખરો પાણી આપવાનો સમય છે એવામાં કેબલની ચોરી કરતા પાંચેય ખેડૂતોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય એવો ઘાટ સર્જાયો છે. સમગ્ર બાબતને લઈ ખેડૂતોએ ટીંટોઇ પોલીસમાં જાણ કરી મોડાસા શામળાજી હાઇવે પર પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.