માલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો
આજે વિજયા દશમીનું પર્વ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઇ રહ્યું છે ત્યારે માલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા પણ શોભાયાત્રા અને શસ્ત્રપૂજન યોજાયું હતુ.આજે અસત્ય પર સત્યનો વિજય થયો એ નિમિત્તે આસો સુદ દસમ નિમિત્તે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માલપુરનગરમાં પણ તાલુકા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી. માલપુર દરબારગઢથી તાલુકાના યુવા ઠાકોર સાહેબ તેજેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં DJના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
આ શોભાયાત્રામાં માલપુર તાલુકાના માલપુર, મંગલપુર, માલજીના પહાડીયા, પીપરાણા, મગોડી, ટુનાદર સહિતના રાજપૂત સમાજના વડીલો યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. માલપુરના ઐતિહાસિક દરવાજામાં માલપુર દરબાર સાહેબ સ્વ.ગંભીરસિંહજી બાવજી, સ્વ.ભાદરવા વાડા મહારાણીસા અને સ્વ.ઠાકોર સાહેબ ક્રિષ્નાપાલસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. માલપુર પી.જી.મહેતા હાઈસ્કૂલના મેદાનમાં ભૂદેવોના વૈદિક મંત્રોથી શસ્ત્ર પૂજન યોજાયું હતું. આમ પરંપરાગત રીતે માલપુર નગરમાં શસ્ત્રપૂજન યોજાયું હતું.