માલપુરના સવાપુર ગામે યોજનાઓ અમલમાં મૂકી કરોડોનો ખર્ચ કરાયો
રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામડે ગામડે પાણી મળી રહે તે માટે એસકે-2 અને એસકે-3 યોજના અમલમાં મૂકીને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પણ કેટલાક વિસ્તારો એવા છે કે જે આજે પણ પાણી વગર ટળવળે છે.
માલપુર તાલુકાનું સવાપુર ગામ ટીસ્કી ગ્રામપંચાયત હેઠળનું ગામ છે. આ ગામમાં પાણી માટે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા સાતરડા ખાતે આવેલ સંપમાંથી પાઇપ લાઇન દ્વારા ટાંકો બનાવી એ ટાંકા દ્વારા સ્થાનિક જનતા પાણી આપવા માટે યોજના અમલી બનાવી આ યોજના અનુસાર પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે.
પાઇપલાઇન પણ નાખીને ટાંકા માં પાણી નાખવામાં આવ્યું પરંતુ પાઈપલાઈન અને વાલ્વ સહિત પાણીના ટાંકાની બનાવટની હલકી ગુણવત્તાના કારણે પાણી ટાંકામાં ટકતું જ નથી. સ્થાનિક જનતાએ અનેકવાર તંત્રમાં રજુઆત કરી છે, પણ તંત્ર કોઈ રજૂઆત સાંભળતું નથી. પરિણામે કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં આજે સવાપુર ગામની જનતા પાણી વગર ટળવળી રહી છે.