ધનસુરાના કીડી ગામ પાસેથી પોલીસે રૂ.7.98 લાખની કિંમતના માદક પદાર્થ સહિત બે આરોપીઓને ઝડપ્યા
અરવલ્લીની સરહદોથી કોઈપણ માદક દ્રવ્યોને ગુજરાતમાં ઘુસાડવાનું બુટલેગરો બહુ સરળ માનતા હોય છે અને પરપ્રાંતમાંથી કેફી પદાર્થોની હેરાફેરી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના ધનસુરા તાલુકામાં સામે આવી છે.
ધનસુરા પોલીસ દિવાળીના તહેવારો નજીક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચેકીંગ સઘન બનાવ્યું છે. ત્યારે ધનસુરાના કીડી ગામ પાસે પોલીસ વાહન ચેકીંગમાં હતી. ત્યારે આગળ પાછળ જતી બે કાર શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે બંને કારને અટકાવી તલાશી લેતા એક કારમાંથી 266 કિલો માદક પદાર્થ પોષડોડા (કાલા) ભરેલા થેલા ઝડપાયા હતા. જેની બજાર કિંમત રૂ.7.98 લાખ થવા જાય છે. અન્ય એક કાર પોષડોડા ભરેલી કારનું પાયલોટિંગ કરી રહી હતી. બંને કાર સહિત બે આરોપીઓને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.