મોડાસા: શહેર બન્યું કોરોનાનું એપી સેન્ટર, એકસાથે 4 કેસ આવ્યા
મોડાસામાં કોરોના બેફામ બન્યો હોય તેમ આજે નવા 4 કેસ સામે આવ્યા છે. આજે તમામ ચાર કેસો મોડાસા શહેરમાં નોંધાતા સ્થાનિક સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. અનલોક-1માં આંશિક છુટછાટો અપાતાં લોકોની અવરજવર વધી જતાં નવા કેસો આવી રહ્યાનું પ્રાથમિક તારણ નિકાળવામાં આવ્યુ છે આજે કોરોનાના નવા ચાર કેસ સામે અરવલ્લી જીલ્લાના કુલ કોરોના પોઝીટીવનો આંકડો 203 પહોંચ્યો છે.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસની રાહત બાદ આજે કોરોનાના એકસાથે 4 કેસ સામે આવ્યા છે. જેમાં મોડાસાના નિત્ય દર્શન ફ્લેટના 37 વર્ષીય યુવાન, બુલાફળીના 55 વર્ષીય મહિલા, કોઠારીવાળાના 63 વર્ષીય પુરૂષ અને બાંડીવાળાના 65 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
અરવલ્લીમાં દરરોજ આવતા કેસોની વચ્ચે છેલ્લા બે દિવસમાં એકપણ કેસ નહિ નોંધાતા રાહત મળી હતી. જોકે આજે એકસાથે 4 કેસ આવતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા તમામ 4 કેસ મોડાસા શહેરના હોવાથી તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના 203 કેસ નોંધાયા છે.