મેઘરજ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પતંગની દુકાનોમાં ચાઈનીઝ દોરી અંગે તપાસ કરાઈ
હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગ રસિકો ખુલ્લા આકાશમાં પતંગ ચગાવવા જતા હોય છે ત્યારે આ પતંગની દોરીથી નિર્દોષ મૂંગા પક્ષીઓના ભોગ લેવાતા હોય છે, ત્યારે આવા પક્ષીઓને બચાવવા માટે સરકાર દ્વારા કરુણા અભિયાન ચાલવાઈ રહ્યું છે. ત્યારે મેઘરજ વિસ્તરણ રેન્જ દ્વારા પક્ષી બચાવવા જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી.
ઉત્તરાયણના તહેવારને હવે માત્ર બે જ દિવસ બાકી છે, ત્યારે આકાશમાં પતંગ ચગાવતા નિર્દોષ પક્ષીઓનો ભોગ લેવાતો હોય છે. ત્યારે આવા સંજોગોમાં પક્ષીઓ દોરામાં ન ફસાય અથવા ઘાયલ પક્ષીઓની તરત જ સારવાર થાય એ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે મેઘરજ તાલુકા વિસ્તરણ વિભાગ ક્ષેત્રીય વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી એન.જે. દામડાંની આગેવાનીમાં હોર્ડિંગ્સ, બેનર્સ રાખીને કરુણા અભિયાનની રેલી કાઢવામાં આવી હતી. નિર્દોષ પક્ષીઓને બચાવવા અંગે પણ અભિયાન ચલાવવા માં આવ્યું હતું, ખાસ પતંગની દુકાનોમાં વેચાતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ન લાવવા અંગે પણ તપાસ કરાઈ હતી.