મોડાસાના ટીંટોઇ પાસે રેલવે લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં
કોઈપણ સરકારી કામકાજ હોય વિકાસ નું કામ હોય એના માટે જાહેર ક્ષેત્રમાં ખોદકામ કરવું પડે એ જરૂરી છે. પરંતુ ખોદકામ કરતી વખતે બીજા કોઈની મિલકતને નુકશાન ના પહોંચે એ ખાસ જોવું પડે ત્યારે હાલ મોડાસાના ટીંટોઇ પાસે કાર્યરત રેલ લાઇનના કામમાં નર્મદાની પાઇપલાઇન તૂટતા ખેડૂતોના વાવેતરમાં પાણી ફરી વળ્યાં હતા.
મોડાસા ઉદયપુર તરફની રેલવે લાઇનનું કામકાજ હાલ પ્રગતિમાં છે ત્યારે રેલ લાઇન માટે ખેડૂતોના ખેતરો પાસે ખોદકામ ચાલુ છે. ત્યારે મોડાસાના ટીંટોઇ પાસે રેલવે લાઇનનું ખોદ કામ ચાલુ હતું. તે દરમિયાન અંડરગ્રાઉન્ડ નાખેલી નર્મદાની પાઇપલાઇન અચાનક તૂટી જતા ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. હાલ ઘઉંની સિઝન છે, ત્યારે ખેડૂતોએ મહા મહેનતથી કરેલા વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.