અરવલ્લીમાં તેડાગર અને કાર્યકરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે રેલી યોજી
અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગમાં દરેક તાલુકામાં કરાયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દો દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં ભારે સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ અરવલ્લી જિલ્લામાં હાલ ચાલતી ICDS વિભાગની આંગણવાડી ભરતી પ્રક્રિયામાં છેલ્લા ઘણા સમયથી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર આગળ સરકાર વિરુદ્ધ સુત્રોચાર અને ધરણાં યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીને ભરતી રદ કરવાની માગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. માગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.