મોડાસા સરકારી એન્જીનીયરીંગ કોલેજના સફાઈ કામદારોએ અડધી નોકરી અડધો પગાર કરતા પાંચ દિવસથી હડતાળ પર
સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને નક્કી કરેલી એજન્સીઓ દ્વારા ફરજ પર રખાતા હોય છે. આ એજન્સીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાના આક્ષેપ કરાય છે. કામના પ્રમાણમાં વેતન અપાતું ના હોવાની માગ એન્જીનીયરીંગ કોલેજના સફાઇ કામદારોએ કરી છે.મોડાસાના શામળાજી રોડ પર આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષોથી 19 સફાઈ કામદારો ફરજ બજાવે છે. આ તમામ સફાઈકર્મીઓને સરકારે નક્કી કરેલી એજન્સીઓ દ્વારા આઉટસોર્સ તરીકે નક્કી કરાયેલા છે. શરૂઆતમાં 8 કલાક ફરજ બજાવવાની અને 8000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો.
છેલ્લા બે મહિનાથી કામના કલાક 4 કરીને અડધો પગાર એટલે કે 4000 રૂપિયા ચૂકવવામાં આવ્યો છે. આમ આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કામના કલાક ઘટાડી ડબલ કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે આ 19 કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી સરકારી એન્જીનીયરીંગ કોલેજના ગેટ પાસે આંદોલન પર બેઠા છે. આજે પાંચમા દિવસે હાથમાં થાળી રાખી વગાડીને સરકારી એન્જીનીયરીંગ કોલેજ સાત્તાધીશો પાસે ભોજનની માગણી કરીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને પુરા પગારમાં ફરજ માટે રાખવા માગ કરી છે.