મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અરવલ્લીના પ્રવાસે : જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા. મોડાસાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જિલ્લામાં 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ 264.45 કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.CMએ કહ્યું કે, હવે 24 કલાકની વીજળીની માગ છે તો કનુભાઈને પૂછીએ કે, આવતા ડિસેમ્બરમાં આવીએ ત્યારે 24 કલાક વીજળી મળતી થઈ જાય. CMએ UGVCLને ટકોર કરીને કહ્યું કે, ડિસેમ્બર 24 પેલા કામ પૂરું થઈ જવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, ટીબી માટે સારું કામ થઈ રહ્યું છે. ટીબી મુક્ત ગુજરાત બનાવવાની સારી પહેલ કરી છે. તેમાં જો મોડાસા સૌથી પહેલો જિલ્લો બને તો અમને ઘણો આનંદ થાય. વડાપ્રધાને ગરીબ, વંચિત લોકો માટે સેવા કરવાની પ્રેરણા સૌને આપી છે. આ સિવાય વધુમાં તેમણે કહ્યું કે, કેમ બધા શાંત થઈ ગયા, કાંઈ ખૂટતું હોય તો બોલો જલ્દી.
ગુજરાતને ડબલ એન્જિનનો લાભ મળી રહ્યો છે. હમણાં સુરતમાં ડાયમંડ બુર્સની ભેટ આપી એ પહેલા બોડેલી પાસે 5 હજાર કરોડના કામની ભેટ આપી છે. અરવલ્લી જિલ્લાને 264 કરોડની વિકાસ કર્યોની ભેટનો અવસર આવ્યો છે. હમણાં 3 રાજ્યોની ચૂંટણીમાં જીત અપાવીને નરેન્દ્રભાઈના વિકાસની વાતમાં સુર પુરાવ્યો છે. ગયા ઓગસ્ટ માસમાં 338 કરોડના રોડ સિંચાઇ તાલુકા સેવા સદનના કામ આ જિલ્લાને આપ્યા છે. 5 મહિનામાં એક જ જિલ્લામાં 600 કરોડના કામ વડાપ્રધાનનાં નેતૃત્વમાં જ થઈ શકે છે.આદિજાતિ પ્રભુત્વ ધરાવતો જિલ્લો વિકસિત જિલ્લો બની રહ્યો છે. અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠાને ધનસુરાના રોડને 4 લેન કરવાની કામગીરી શરૂ કરી છે. પાછલા 1 વર્ષમાં 219 કરોડના રોડના કામો જિલ્લાને મળ્યા છે. રોડ રસ્તા ઈન્ફ્રાસ્ટક્ચરની સુવિધા, સિંચાઇના પાણી માટે અરવલ્લી ગિરિમાળામાં પહોંચવું વિકટ હતું. ત્યારે નર્મદાના વધારાના પાણી આપીને વિકાસનો લાભ આપ્યો છે. આજે ભિલોડા તાલુકા તળાવો ભરીને પાણી આપવાનું કામ શરૂ થશે. આદિવાસીઓને મુખ્યધારામાં લાવવાની પરંપરા પીએમ એ વિકસાવી છે. બિરસા મુંડા જયંતિ પર વિકસિત ભારત યાત્રાનો પ્રારંભ પીએમ એ કરાવ્યો છે. દરેક સંકલ્પ પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય પી.સી. બરંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.