દશેરાની રાત્રે ઢોર માર મારીને બેભાન અવસ્થામાં બેડજની સીમમાં ફેંકી દીધા : એકને હોશ આવતા ઘટના સામે આવી
પ્રેમ હંમેશા આંધળો હોય છે. પ્રેમ કરનાર આંધળા પ્રેમમાં પ્રેમિકાને મળવા માટે કોઈપણ સાહસ વેઠીને જતા હોય છે, પણ જ્યારે પ્રેમિકાના પરિવારજનોને આંધળા પ્રેમની જાણ થાય, ત્યારે પ્રેમી યુવકને પ્રેમ સંબંધ મુક્ત કરવા માટે ઘણી જગ્યાએ તાલિબાની સજા આપવામાં આવતી હોવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો મેઘરજ તાલુકામાં બનવા પામ્યો છે. વાત છે, મેઘરજ તાલુકાના બેડજ ગામની સીમની.મોડાસાના મુલોજ ગામના યુવક રમેશ ખાંટને મેઘરજના બ્રાહ્મણ કોટડાની મંજુલા ડામોર સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધમાં બંને પ્રેમીઓ અવાર નવાર ફોન પર મેસેજ અને કોલ કરી વાતચીત કરતા હતા. ગત તારીખ 24 ઓક્ટોબરના રોજ સાંજના સમયે મંજુલા ડામોરના ફોનમાં રમેશ ખાંટનો ફોન અને વોટ્સએપ મેસેજ આવ્યા હતા.બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ હકીકત મંજુલા ડામોરના પરિવારજનોને ખબર પડી ગઈ હતી. એ દિવસે દશેરા હતા. જેથી યુવતીના પરિવારજનોએ યુવક રમેશ ખાંટને રાત્રે મેઘરજના ઘેલી માતાના મંદિરે ગરબા જોવા જવા માટે મેસેજ કર્યો હતો. જેથી રમેશ ખાંટ અને તેના કાકાનો દીકરો બંને મોટરસાયકલ લઈને મેઘરજ જવા રવાના થયા હતા.
ત્યારબાદ રમેશ ખાંટને યુવતીના ફોનથી મેસેજ દ્વારા બેડજ ગામ નજીક મળવા માટે આવવા કહ્યું હતુ. જેથી કાળું ખાંટ રમેશને બેડજ પાસે મૂકી આવ્યો હતો. થોડીવાર પછી યુવતીના પરિવારજનોએ કાળું ખાંટને રમેશનું બાઇક બગડ્યું છે એમ જણાવીને બેડજ બોલાવ્યો હતો. ત્યારબાદ બંનેને ઢોર માર મારીને બેભાન અવસ્થામાં બેડજની સીમમાં ફેંકી દીધા હતા.સવારે બંને યુવકોના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા તેવામાં એક બાઇક અને બે યુવકો બેડજની સિમમાં પડ્યા હોવાના સમાચાર મળતા યુવકોના પરિવારજનો બેડજ પહોંચ્યા હતા. તો ત્યા રમેશ અને કાળું બને બેભાન અવસ્થામાં પડ્યા હતા. બંનેને 108 મારફતે સારવાર અર્થે મોડાસા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બંને દશેરાના દિવસથી લઈ તારીખ 23 ડિસે સુધી અમદાવાદ સારવાર હેઠળ હતા. થોડો તબિયાતમાં સુધારો જણાતા બંનેને ઘરે રહી આઉટડોર સારવાર લેવા જણાવ્યું હતુ. તે બાદ બંને જણા પોતાના વતન મુલોજ ખાતે ડોકટરની સલાહ મુજબ સારવાર લઈ રહ્યા હતા. જેમાં યુવકના પિતરાઈ ભાઈ કાળુંને થોડો હોશ આવ્યો અને હકીકત પ્રકાશમાં આવી હતી.રમેશ ખાંટના પિતરાઈ કાળુંને હોશ આવતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. જે હકીકત આધારે યુવક કાળું ખાંટે ઇસરી પોલીસ મથકમાં બ્રાહ્મણ કોટડા ગામના યુવતીના પિતા ધનાભાઈ ડામોર અને કાકા કાળુંભાઈ ડામોર સામે ફરિયાદ નોંધાવી છે .ઘટના બને બે માસ થયા છતાં હજુ પણ પ્રેમી યુવક રમેશ ખાંટ અસ્વસ્થ છે. ત્યારે ઇસરી પોલીસે બંને સામે ફરિયાદ નોંધીને બંનેને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આમ પ્રેમ કરવાની યુવકને તાલિબાની સજા ભોગવવાનો વારો આવ્યો છે.