મોતનો આંક વધતાં હિંમતનગરમાં ત્રીજું સ્મશાન તૈયાર કરાયું
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્રતિદિન સરેરાશ દસ થી વધુ વ્યક્તિઓનો ભોગ લેવાઈ રહ્યો છે. હિંમતનગર સિવિલમાં સંખ્યાબંધ મોત થતાં અને સ્મશાનની સગડીઓ પણ અવિરત ચાલુ રહેતી હોઇ સ્મશાનમાં લાશોના ઢગ ન ખડકાય તે હેતુસર મોતના સમય પ્રમાણે મૃતકના સ્વજનોને ડેડબોડી સોંપાઇ રહી હોવાથી 5 થી 7 કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે જેને પગલે શહેરમાં વર્ષોથી નોનયુઝ રહેલ મોતીપુરા સ્મશાન નોન કોવિડ ડેથ માટે એક સગડીના વધારા સાથે ફરી શરૂ કરાયું છે.
જિલ્લાના 80 ટકાથી વધુ દર્દીઓ હિંમતનગરમાં સારવાર લઇ રહ્યા છે અને દર્દીનું મોત થતાં હિંમતનગર જ અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે જેને કારણે બીએસએનએલ કચેરી નજીક આવેલ મુખ્ય અંતિમધામમાં ચિતાઓ મોડી રાત સુધી ધધકતી રહે છે. નોન કોવિડ ડેથ માટે મહેતાપુરા સ્મશાનનો વિકલ્પ ખૂલ્લો મૂકાયો છે.મુખ્ય સ્મશાનમાં ત્રણ સગડીઓ, એક ઇલેક્ટ્રીક, એક ગેસની સગડીની સુવિધા હોવા છતાં પહોંચી વળાતું નથી બે દિવસ અગાઉ 19 વ્યક્તિના અંતિમ સંસ્કાર કરાયા હતા અને છેલ્લા 24 કલાક દરમિયાન 13 થી વધુ દર્દીના મોત થયા છે
ડેડબોડી લેવા સ્વજનો રાહ જોઈને બેઠા છે સ્મશાનમાં લાશોનો ઢગલો ન થાય તે હેતૂસર ડેડબોડી લેવામાં 5 થી 7 કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. હાલમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 800 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાથી તંત્ર દ્વારા મોતીપુરા સ્થિત વર્ષોથી નોનયુઝ ત્રીજા સ્મશાનની સફાઈ કરી 1 સગડીનો વધારો કર્યો છે.