અરવલ્લીમાં જમીનની પાકી નોંધ મંજુર કરાવવા લાંચ લેતા નિવૃત તલાટીને ઝડપી પાડતી એસીબી
ફરી એક વાર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા લાંચિયા અધિકારીની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અરવલ્લીમાં આ કેસના ફરિયાદીના પિતાએ જમીન વેચાતી લીધી હતી. જે માટે વેચાણ નોંધની પાકી નોંધ મંજુર કરાવવાની હતી. આથી ફરિયાદીને પાકી નોંધ મંજુર કરી આપવાના બદલામાં મોડાસામાં રહેતા અને નિવૃત તલાટી કમ મંત્રી મહેન્દ્રકુમાર એમ ભાટીયા (65)એ રૂ.15,000 ની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એન્ટી કર્પ્શન બ્યુરો(એસીબી)માં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે એસીબીના અધિકારીઓેએ મોડાસા ચાર રસ્તા પ્રથમ ગેસ્ટ હાઉસ, મહારાજા કોમ્પ્યુટરની દુકાનમાં જાળ બિછાવીને રૂ.15,000 ની લાંચ લેતા નિવૃત તલાટી ભાટીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. આ બાબતે હવે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.