ભિલોડાના મુનાઈ ગામે રસોઈ કરતા પરિવારના ઘરે ઓચિંતા આગ લાગી
કોઈપણ વ્યક્તિના ઘરમાં જમવાનું બનાવવા માટે ગેસએ મુખ્ય વપરાશનું સાધન ગણાય છે, પરંતુ ગેસ સિલિન્ડર અને સગડીની નિયમિત સફાઈ અને સર્વિસ કરાવવી પણ એટલી જ જરૂરી છે અને જો એ ના કારવામાં આવે તો ક્યારેક દુર્ઘટના થવાની સંભાવના રહે છે. ત્યારે ભિલોડાના મુનાઈ ગામે આવી જ એક ઘટના બનવા પામી છે.
ભિલોડાના મુનાઈ ગામે એક પરિવારના સદસ્યો જમવાનું બનાવી રહ્યા હતા અને એકાએક ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર લીક હોવાના કારણે આગ લાગી. ધીરે ધીરે આગની જ્વાળાઓ ગેસ સ્ટવ સુધી પહોંચી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તરત જ આ પરિવાર પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયો ત્યાં સુધી આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આસપાસથી લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો. ત્યાં સુધી ઘરનું તમામ રાચ રચીલું આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. જેમાંથી રોકડ સહિત માલસામાન બળીને ખાખ થયો હતો. આમ એકાએક આગ લાગવાના કારણે ગરીબના ઘરમાં આભ તૂટ્યું હોય એવી સ્થિતિ બનવા પામી હતી.