અરવલ્લીના માલપુર, બાયડ, ધનસુરા સહિતના ગામોમાંથી પકડાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું
ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ત્યારે સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો બૂટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે ગુજરાત રાજસ્થાનની સરહદેથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવતા હોય છે અને વિદેશી દારૂ ઝડપી લેવામાં આવતો હોય છે. આવા ઝડપાયેલા વિદેશી દારૂનો કાયદાકીય રીત પ્રમાણે નાશ કરાતો હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ પ્રાંત વિસ્તાર હેઠળનો ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરાયો હતો.
બાયડ પ્રાંત વિસ્તારમાં બાયડ, માલપુર, ધનસુરા, આંબલિયારા અને સાઠંબા પોલીસ સ્ટેશનો આવેલા છે. આ પોલીસ સ્ટેશનોમાં એક વર્ષ દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ 134 ગુનાઓ નોંધાયા હતા અને કુલ 40000 રૂપિયાની કિંમતની કુલ 25000 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી લેવામાં આવી હતી. આ ઝડપાયેલા વિદેશી દારૂને કોર્ટની પરમિશન લઈ નિયમ મુજબ તમામ વિદેશી દારૂ શામળાજીના રંગપુર પાસે આવેલા સેલ્સટેક્સ કચેરીના મેદાનમાં જિલ્લા ડીવાયએસપી તથા બાયડ પ્રાંત અધિકારી તેમજ અન્ય કર્મચારીઓની રૂબરૂમાં બુલડોઝર ફેરવી કાયદાકીય પદ્ધતિથી નાશ કરાયો.