ભિલોડાની વાદીયોલ ગ્રામ પંચાયતના ગામથી નેશનલ હાઇવેને જોડતો 2 કિમી રોડ પાકો બનાવવા માગ
તંત્ર દ્વારા ગામડે ગામડે પાકા રસ્તા બન્યા હોવાના દાવા કરાય છે. ત્યારે હજુ પણ ઘણા ગામડા એવા છે કે જ્યાં પાયાની સુવિધા પહોંચી નથી. ત્યારે ભિલોડા તાલુકાના વાદીયોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાકા રસ્તા માટે આવેદનપત્ર અપાયું છે.
ભિલોડા તાલુકાના વાદીયોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ દાતીયા, કાદવિયા અને વજાપુર ગામના લોકોને પોતાના કામકાજ અર્થે ભિલોડા શામળાજી જવાનું હોય છે. ત્યારે આ ગામડાઓને નેશનલ હાઇવેને જોડવા 2 કિમીનો રસ્તો કાપવો પડે જે હાલ કાચો છે. સરકાર પાસે અનેક વખત પાકા રસ્તા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. આ રોડ મંજૂર પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ કારણોસર આ રસ્તો બનતો નથી. નાના બાળકોને અભ્યાસ માટે ખેડૂતોને ખેતીકામ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજરોજ ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.