8 દિવસમાં કોરોનાના 940 પોઝિટિવ કેસ, મે માસના પ્રારંભથી કોરોના 100ને પાર
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે વધુ 107 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 64 પુરુષ અને 43 મહિલાઓનો સમાવેશ થાય છે. સામે 83 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. જ્યારે 04 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ સાથે જિલ્લામાં 254 શહેરી અને 855 ગ્રામ્ય મળી કુલ 1109 એક્ટિવ કેસ ની સંખ્યા થઈ છે. મે મહિનાથી પ્રારંભથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 100ની પાર રહ્યો હતો અને છેલ્લા 8 દિવસ દરમિયાન 940 લોકો સંક્રમિત થયા હતા જેમાં 588 પુરુષ અને 352 મહિલાનો સમાવેશ થાય છે.સાબરકાંઠા જિલ્લામાં મે મહિનામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર નીકળી ગયું છે. દિનપ્રતિદિન મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા 8 દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ 940 વ્યક્તિઓ સંક્રમિત થયા છે.જ્યારે 736 દર્દીઓને કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી અને 37 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 940 પોઝિટિવ કેસમાંથી છેલ્લા 8 દિવસમાં સૌથી વધુ હોટસ્પોટ હિંમતનગરમાં 532, તલોદમાં 143, પ્રાંતિજમાં 106, ઇડરમાં 62, વડાલીમાં 40,ખેડબ્રહ્મામાં 38, પોશીનામાં 12 અને વિજયનગરમાં 07 વ્યક્તિ સંક્રમિત થઈ ચૂક્યા છે.