બાયડમાંથી સોયાબીનની ચોરી કરનારા 6 આરોપીઓ 3 વાહનો સાથે ઝડપાયા
તસ્કરોએ ત્રાસ ગુજારી મુક્યો છે. ચોરીની ઘટનાઓને લઈ લોકો પણ પરેશાન બન્યા છે. આ દરમિયાન બાયડ વિસ્તારમાં આવેલ એક ઓઈલ મીલમાં ચોરીની ઘટના નોંધાઈ હતી. બાયડ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાતા પીએસાઈ સહિતની 2 ટીમો રચીને તસ્કરોને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી હતી.આ દરમિયાન પોલીસને તસ્કરોની કડીઓ એક બાદ એક મળવા લાગતા ટીમના જવાનો આરોપીઓને ઝડપી લેવામાં સફળ રહ્યા હતા. આમ ખેત પેદાશની ચોરી કરી જવાના કલાકોમાં જ બાયડ પોલીસને આરોપીઓ અને ચોરીનો સામાન ઝડપી લેવામાં સફળતા મળી છે.
બાયડના ડેમાઈ નજીક આવેલ અંબિકા ઓઈલ મીલમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મીલમાં રાખેલ સોયાબીનની ચોરી કરી હતી. ઓઈલ મીલમાં રાખેલ સોયાબીનના કટ્ટાની ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા. આ અંગેની જાણ ઓઈલ મીલ દ્વારા બાયડ પોલીસને ફરિયાદ રુપે કરતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ બે ટીમો રચીને પ્રયાસ શરુ કર્યા હતા.તપાસ દરમિયાન પોલીસને આરોપીઓની કડીઓ હાથ લાગવા લાગતા પોલીસ પાડોશી જિલ્લામાં બાલોસિનોર પહોંચી હતી. જ્યાંથી આરોપીઓએ ચોરી કરેલ સોયાબીનના કટ્ટાને જપ્ત કરી લીધા હતા. સાથે જ 6 જેટલા આરોપીઓને પણ ઝડપી લઈને બાયડ લાવવામાં આવ્યા હતા.ઓઈલ મીલમાં રાખેલ ખેત પેદાશમાંથી તસ્કરો સોયાબીનના કટ્ટા ઉઠાવી ગયા હતા. આ માટે તસ્કરોએ એક પીકપ ડાલુ અને ટ્રેક્ટર તથા આરોપીઓએ એક કારનો પણ ઉપયોગ કર્યો હતો. પીકઅપ ડાલુ અને ટ્રેક્ટરમાં 112.5 મણ સોયાબીન ભરી જઈને ચોરી કરી હતી. જેની કિંમત 95 હજાર રુપિયા જેટલી માનવામાં આવે છે. પોલીસે 14 લાખનો મુદ્દામાલ કબજે કરીને તપાસ શરુ કરી છે. પોલીસને આશંકા છે, કે આરોપીઓએ અન્ય ચોરીઓ પણ હાથ ધરી છે અને એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.