ચોરીનો ભેદ ના ઉકેલાતા ગ્રામજનોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર
અરવલ્લી જિલ્લામાં ધાડ, લૂંટ, ચોરી અને ઘરફોડ ચોરીના ઘણા ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલ છે. જેમાંથી કેટલાક ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે. જ્યારે કેટલાક ગુન્હાઓ ઉકેલાયા નથી. ત્યારે હાલની જિલ્લાની સૌથી મોટી માલપુર તાલુકાના મંગલપુર ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસની કામગીરી નબળી સાબિત થઈ છે.
માલપુરના મંગલપુર ગામે ગત 14 જાન્યુઆરીની રાત્રે જ્યેન્દ્રસિંહ રાઠોડ નામના શિક્ષકના બંધ મકાનમાં કોઈ તસ્કર ઘરના બારણાંનું તાળું તોડીને ઘરની અંદર રહેલા તિજોરી કબાટના લોક તોડી સોના-ચાંદીના કુલ 29.50 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી. જે બાબતે માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદ મુજબ સ્થાનિક પોલીસ તથા જિલ્લા એલસીબી, એસોજી દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. તપાસમાં પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ બોલાવીને તપાસ શરૂ કરાવી હતી. જેમાં જેવો ડોગ આવ્યો કે તરત જ ઘટના સ્થળના સામેના મકાનમાં અને એ મકાનના એક કિશોર પાસે જઈને અટક્યો હતો. ત્યારબાદ પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ યુવકને એક જ દિવસમાં છોડી મુકતા અચરજ જણાયું હતું. ત્યારબાદ પોલીસની તપાસ ધીમી થઈ હતી.
પોલીસની તપાસમાં ઢીલી નીતિને લઈ ભોગ બનનાર ફરિયાદી અને તમામ ગ્રામવાસીઓને તપાસમાં કોઈ શંકા ઉપજે એવી આશંકાને લઈ આજે મંગલપુર ગામના સરપંચ, ફરિયાદી અને તમામ ગ્રામજનો સાથે અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયિક અને ઝડપી તપાસ કરી આરોપીને ઝડપી પાડવાની માગ કરી છે.