રાખડીઓ મોંઘી છતાં મહિલાઓ દ્વારા ગજા પ્રમાણે ખરીદી; ભાઈ- બહેનના નિર્મળ અને નિર્ભેળ પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લાખણી સહિત જિલ્લાની બજારોમાં અવનવી વેરાઈટી વાળી કલાત્મક રાખડીઓ અને પવિત્રા બજારની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. હિન્દુ આર્ય સંસ્કૃતિમાં તહેવારો અને વ્રતોનો વિશેષ મહિમા રહેલો છે. તેથી લોકો તેની મોકળા મને ઉજવણી કરે છે. ત્યારે આગામી શ્રાવણી પૂનમ એટલે કે બળેવના દિવસે રક્ષાબંધન પર્વની હરખભેર ઉજવણી થનાર છે. બહેનના સ્નેહથી ભીંજાયેલો સુતરનો દોરો ભાઈની સુરક્ષા કરે છે. બદલામાં ભાઈ પણ બહેનની તમામ પ્રકારે સુરક્ષા કરવા તત્પર રહે છે. જો કે સમયના વહેણ સાથે હાલમાં પવિત્રાને બદલે વિવિધ શહેરી બજારોમાં ઉત્તર ભારતમાંથી અવનવી આકર્ષક અને કલાત્મક ફેન્સી રાખડીઓ ઠલવાઈ છે. આ વખતે પણ રાખડીઓના મટિરિયલના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.તેમ છતાં બહેનો પોતાના માડી જાયાની રક્ષા માટે ગજા પ્રમાણે રાખડીઓ ખરીદવા લાગી છે.
અવનવી રાખડીઓ; આ વખતે બજારોમાં ડિઝાઈનર અને સ્ટોનની રાખડીઓ ખૂબ વેચાઈ રહી છે. સાથે જ સ્ટાઈલિશ રાખડીઓ,બ્રેસલેટ, મોતીઓ, રુદ્રાક્ષ, મેટલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રામ મંદિર, મિસાઈલ,ઓપરેશન સિંદૂર,ભાઈ- ભાભી જેવી રાખડીઓ મહિલાઓ ખરીદી રહી છે.સોના- ચાંદીની રાખડીઓ પણ મળવા લાગી છે. તો બાળકો માટે બજારોમાં ટૈડી,છોટા ભીમ, ડોરેમોન, સ્પાઇડરમેન, હનુમાનજી સહિત કેટલાય પ્રકારની રાખડીઓ મળી રહી છે.

