લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી
દરેક વ્યક્તિના મનમાં વિજ્ઞાન માટેનો ઉત્સાહ અને રસ વધારવામાં સાયન્સ સેન્ટર સફળ રહ્યું છે:- પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી
પ્રવાસની મજા સાથે ડાયનાસોર ગેલેરી અને વિજ્ઞાનની અદભુત યાત્રાનો અનુભવ કરતા પ્રવાસીઓને પર્યટન સાથે રોમાંચની બેવડી ખુશી મળે છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એક જ અઠવાડિયામાં ૩૪,૦૦૦ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત કરી વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ કરી હતી. લોકાર્પણથી લઈને અત્યાર સુધી ૧૩ દેશના તથા ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત ગુજરાતનાં ૩૩ જિલ્લામાંથી કુલ ૧૧ લાખ જેટલા મુલાકાતી ઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવી ગયેલા છે.
પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા ૧૦ એકર જમીન પર અંદાજે ૧૦૦ કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર ની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીનું વેકેશન અને શાળા કોલેજોમાં વેકેશન હોઇ હાલમાં હજારો પ્રવાસીઓ પાટણ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.