વિહાર કરતા જૈન સાધુ ભગવંતોને ટાર્ગેટ કરાતા હોવાના આક્ષેપ; પાલનપુર કલેકટર કચેરી ખાતે જૈન સમાજના આગેવાનો દ્વારા જૈન સમાજના સાધુ સંતો અને સાધ્વીજીઓને ટાર્ગેટમાં રાખી અકસ્માત કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.
જૈન સમાજના સાધુ -સાધ્વીજી ભગવંતો એક ગામેથી બીજા ગામે પગપાળા વિહાર કરતા હોય છે તે સમય દરમિયાન રોડની સાઈડમાં ચાલતા હોય તે સમયે પણ તેમનો અકસ્માત થતો હોય છે. તેમજ જૈન સમાજનું માનવું છે કે જૈન સમાજના સાધુ સાધ્વીજી વિહાર કરતા હોય તે દરમિયાન તેમને ટાર્ગેટ કરી અકસ્માત કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે રાજસ્થાનના પાલીના જાડણ નજીક જૈન સમાજના મહારાજ સાહેબને ટ્રક દ્વારા ટક્કર મારી મોત નીપજવવામાં આવતા તેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના જૈન સમાજના આગેવાનો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ બાબતે તેમની માંગ હતી કે સાધુ સાધ્વીજીઓ પર થતા અકસ્માતો અટકાવવામાં આવે અને તેની યોગ્ય તપાસ કરાવી તેમની સુરક્ષા અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.