ખેલ સહાયકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ વિષયને પૂર્ણકાલીન ગણી ભરતી કરવાની માંગ કરી; ગુજરાત રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી માટે કલેક્ટર કચેરીમાં શુક્રવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણના શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી. ગત વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ખેલ અભિરુચિ કસોટીને માન્ય ગણી ભરતી કરવાની માંગ કરવામાં આવી છે.
સરકારે પ્રાથમિક શાળાઓમાં 5075 જેટલી શારીરિક શિક્ષણની ખાલી જગ્યાઓ દર્શાવી હતી. આવેદનપત્રમાં કરાર આધારિત ભરતી બંધ કરી, કાયમી ધોરણે ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને આરટીઈ 2009ની જોગવાઈ મુજબ શાળાઓમાં શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. શારીરિક શિક્ષણમાં તાલીમ પામેલા ઉમેદવારો અને ખેલ સહાયકોએ બાળકોના સર્વાંગી વિકાસ માટે આ વિષયને પૂર્ણકાલીન ગણી ભરતી કરવાની માંગ કરી છે. આ ભરતીથી ગુજરાતનું નામ દેશ અને વિશ્વમાં ઊંચું કરે તેવા રમતવીરો તૈયાર થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.