ન્યુ બસ પોર્ટ સામે છૂટા હાથની મારામારીથી લોકોમાં ભય ફેલાયો
ઘટનાનો વિડીયો વાઇરલ થતા અસમાજિક તત્વોને પકડી લેવા પોલીસની કવાયત; પાલનપુરમાં મોડી સાંજે ન્યુ બસ પોર્ટ સામેના વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વો સામસામે આવી જઇ જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા ઉત્તેજના ભર્યો માહોલ છવાઇ જતાં લોકોમાં ભય ફેલાયો હતો. જોકે ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે કાયદો હાથમાં લેનાર અસમાજિક તત્વોને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુરમાં અવાર નવાર અસમાજિક તત્વો કાયદાની ઉપરવટ જઇને જાહેરમાં મારા મારી કરી લોકોમાં ભય ફેલાવતા હોય છે જે વચ્ચે સોમવારે મોડી સાંજે ન્યુ બસ પોર્ટ આગળ બે જૂથ વચ્ચે કોઈ કારણસર તકરાર થતા આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં બન્ને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી જેમાં સામ સામે પટ્ટા ચેઇન જેવી ચીજ વસ્તુઓ વડે એક બીજાને માર મારવામાં આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસના ડર વિના જાહેરમાં મારા મારી પર ઉતરી આવેલા અસમાજિક તત્વોની મારામારીનો વીડિયો વાઇરલ થતાં પશ્ચિમ પોલીસ દ્વારા લોકોમાં ભય ફેલાવનાર અસમાજિક તત્વોને ઝડપી લેવા ઘટના સ્થળે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી છે.