તપાસ બાદ હકીકત મુજબની કાર્યવાહી : ટીપીઓ આ બાબતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીએ જણાવેલ કે જે તે વખતે એમ.ડી.અભિનવ ભારતી વિદ્યાલયનાં સંચાલકો દ્વારા ધોરણ 6 થી 8 નાં વર્ગો માટે ઓનલાઈન ફાઈલ રજૂ કરેલ. જે અમોને હાર્ડ કોપી તપાસ અર્થે મળેલ. જે તપાસ કરતા જે હકીકત મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. કાંકરેજ તાલુકાના ખીમાણા એમ.ડી.અભિનવ ભારતી વિદ્યાલય દ્વારા ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવાની માંગને લઈ ગ્રામજનોમાં રોષ યથાવત છે.
આ બાબતે ગામજનોએ જણાવેલ કે અમોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાલનપુરને પ્રાઇવેટ શાળાની મંજૂરી ન આપવાં રૂબરૂ રજૂઆત કરેલ છતાં કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ખીમાંણા સહિત આજુબાજુની શાળાઓની વાંધા અરજી તેમજ આજુબાજુની ગામ પંચાયતોનાં લેટર સાથે ઓન લાઈન અરજી કરેલ. જેની સુનાવણી તારીખ 24.12.2024 નાં રોજ મામલતદાર કચેરીમાં રાખવામાં આવેલ.પણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હાજરી આપ્યા વગર અને કોઈ જાતની તપાસ કર્યા વગર એક તરફી ચુકાદો આપી દીધેલ.તેથી બીજીવાર મુખ્યમંત્રી સ્વાગત તેમજ લેખિતમાં રજૂઆત કરી અન્ય અઘિકારીને તપાસ સોંપવા રજૂઆત કરેલ છે. ગામજનોએ વધુમાં જણાવેલ કે ટીપીઓ દ્વારા અમારા વિસ્તારમાં ત્રણ શાળાઓ અંગત રસ લઈ મંજૂર કરાવેલ. જેના કારણે આજુ બાજુની પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓનો ઘટાડો થયેલ છે. આ બાબતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે જો ખીમાણામાં પ્રાઇવેટ શાળાની મંજૂરી બંધ રાખવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.