ડીસાના અજાપુરા ગામ પાસે એક યુવક પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ શખ્સોએ એક્ટિવા રોકાવી છરી બતાવી ધમકાવી રૂ. ૯,૬૦૦ ની રોકડની લૂંટ કરી હતી. પોલીસ સૂત્રો અનુસાર, ડીસાના અજાપુરા ખાતે રહેતા રમેશકુમાર અમરતલાલ પઢિયાર સાંજે સવા છ વાગ્યાની આસપાસ પોતાના એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાપુરા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે રાહુલ મનોજભાઈ સોલંકી, ધર્મેન્દ્રભાઈ નાગરભાઈ સોલંકી અને ચિરાગ ધોબી નામના ત્રણ શખ્સોએ તેમની રિક્ષા આડી ઉભી રાખી તેમને રોક્યા હતા.
આરોપી રાહુલ સોલંકીએ છરી બતાવી રમેશકુમારના ગળા પર મૂકી દીધી અને પૈસા-દાગીના આપી દેવાનું કહ્યું. રમેશકુમારે ગભરાઈને પોતાના ખિસ્સામાં રહેલી દુકાનની રોકડ રૂ. ૯,૬૦૦ આપી દીધી. પૈસા લીધા બાદ આરોપી ધર્મેન્દ્ર સોલંકીએ તેને માર માર્યો હતો. આ ઘટના દરમિયાન રમેશકુમારે તેમના ભાઈ હરેશભાઈને ફોન કરીને જાણ કરતા, આરોપી ચિરાગ ધોબીએ રમેશકુમારનો ફોન ઝૂંટવી લીધો અને રસ્તા પર પછાડીને તોડી નાખ્યો હતો. આરોપીએ તેમને અને તેમના પરિવારને પણ ગાળો બોલી તારા ભાઈને ગામમાં દેખાશે તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી હતી.જેથી ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

