યુસીસી માટે નાગરિકોને સૂચનો અને રજૂઆત કરવા કલેકટરનો અનુરોધ; ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે સૂચનો-મંતવ્યો મેળવવાના ભાગરૂપે સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતના સભ્ય સી.એલ.મીણા અને આર.સી.કોડેકર તેમજ મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે મહત્વની એક બેઠક યોજાઈ હતી. જેમાં સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગતરોજ મહેસાણા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી.
સમિતિના સભ્ય અને નિવૃત આઈએએસ સી.એલ.મીણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દિવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે.
જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુસીસી માટે આ બેઠક ઉપરાંત નાગરિકો પોતાના મંતવ્યો પણ વેબ પોર્ટલ દ્વારા પણ મોકલાવી શકે છૅ જેમાં નાગરિકો તાર્કિક સૂચનો અને રજૂઆતો કરશે એવો તેમણે અનુરોધ કર્યો હતો. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસરત જૈસ્મીને પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમજ નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડાએ આ બેઠકમાં વિષય પ્રસ્તાવના, સ્વાગત અને આભારવિધિ કરી હતી.