બનાસકાંઠામાં ભેળસેળીયા રાજાઓનું સામ્રાજ્ય: જન આરોગ્ય સાથે ચેડાં

બનાસકાંઠામાં ભેળસેળીયા રાજાઓનું સામ્રાજ્ય: જન આરોગ્ય સાથે ચેડાં

ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગે રૂ.1.03 લાખનો 180 કિલો ઘી નો જથ્થો કર્યો જપ્ત; સરહદી બનાસકાંઠા જિલ્લામાં તંત્રના નાક નીચે ભેળસેળીયા રાજાઓના સામ્રાજ્ય વચ્ચે જન આરોગ્ય સાથે ખીલવાડ થઈ રહ્યો હોવાની બુમરાણ મચી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાલનપુર ના ચંડીસર જીઆઇડીસીમાં ચાલતી શ્રી સેલ્સ ફેકટરીમાં રેડ કરી 1,03820 રૂપિયાનો શંકાસ્પદ ઘીનો 180 કિલો જથ્થો જપ્ત કરી અલગ-અલગ સેમ્પલો લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે. અહીં ઘુમર બ્રાન્ડનું ગાય અને ભેંસનું શંકાસ્પદ ઘી બનાવીને અલગ- અલગ રાજ્યોમાં સપ્લાય કરાતું હતું. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીના પગલે ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે પાલનપુરના ચંડીસર જીઆઈડીસીના પ્લોટ નં.238 માં ચાલતી શ્રી સેલ્સ ઘીની ફેકટરી ઉપર રેડ કરીને ત્યાંથી 1,03820 રૂપિયાનું શંકાસ્પદ 180 કિલો જપ્ત કરીને ત્યાં બની રહેલા ઘુમર બ્રાન્ડ ઘીના અલગ-અલગ નુમના ઓ લઈને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘુમર બ્રાન્ડનું ગાય અને ભેંસનું ઘી વેચાતું હતું; શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક દિનેશ મહેસૂરિયા ઘુમર બ્રાન્ડનું ગાય અને ભેંસનું ઘી બનાવીને તેને અલગ-અલગ પેકિંગમાં પેક કરીને તેનું અનેક રાજ્યમાં વેચાણ કરતો હતો. જોકે આ શંકાસ્પદ ઘી તે કેટલા સમયથી બનાવતો હતો અને તેને કેવી રીતે અને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે એક મોટો સવાલ છે.  ચંડીસરની જીઆઇડીસી તેમજ અનેક રહેણાંક મકાનોમાં બનાવટી ઘી સહિત અનેક વસ્તુઓ બનતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે ફૂડ વિભાગ આવી શંકાસ્પદ જગ્યાઓ ઉપર રેડ કરે તેવી લોક માંગ ઉઠી છે.

ભેળસેળીયા તત્વો બેફામ; બનાસકાંઠા જિલ્લામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ બની ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના જાહેર આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જેને લઈને બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અગાઉ ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજમાંથી મોટી માત્રામાં ગળ્યો માવો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ખાદ્ય તેલ, ઘી, મરચા, હળદર, આટો બનાવતા ફેક્ટરીઓ તેમજ મીઠાઈની દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, દૂધના માવાના ભઠ્ઠા સહિતની અનેક જગ્યાએ તપાસ કરી સેમ્પલ લઈ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. છતાં આજે પણ ભેળસેળીયા તત્વો બેખોફ બની જાહેર આરોગ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *