પંચાયતી રાજની સ્થાપના બાદ પ્રથમવાર પેડાગડાએ સમરસતાના મંત્રને સાકાર કર્યો
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ગામમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ સુદ્રઢ બને અને ગામનો વિકાસ વેગવંતો બને તે માટે ગ્રામ પંચાયતોને સમરસતા નો મંત્ર આપ્યો હતો. આજે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દદુંભી વાગી ચુક્યા છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ એવી પાલનપુર તાલુકાની પેડાગડા ગ્રામ પાંચાયતે સમરસ્તાનો મંત્ર પચાવી જાણતા પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ પંચાયત જાહેર કરી હતી.
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 617 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાદ નહીં, વિવાદ નહીં, અને વિકાસ સિવાયની કોઈ વાત નહીં તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખી ચૂંટણી વગર પોતાની ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બને તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.
દરમિયાન, પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયતને સમરસ પંચાયત બનવા માટે ગામના દરેક સમાજના આગેવાનોની રવિવારે બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે ગામમાં ચૂંટણી વગર ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત માં સરપંચ, ઉપસરપંચ, અને પંચાયતના સદસ્ય તરીકે ગામમાં વસતા દેરક સમાજને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પેડાગડા ગ્રામ પંચાયતના સરપંચ પદે સુરેશભાઈ ગઢવી અને ઉપસરપંચ પદે ડો.કેતનભાઇ જોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આમ, પંચાયતી રાજની સ્થાપના બાદ પેડાગડા ગ્રામ પંચાયતે પ્રથમ વાર સમરસતાનો મંત્ર સાર્થક કરી કદાચિત ગુજરાતમાં પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બની છે. ત્યારે અન્ય ગ્રામ પંચાયતો પણ સમરસ બને તેવા પ્રયાસો દરેક ગામના ગ્રામજનોએ કરવા જોઈએ તેવો અનુરોધ ડેપ્યુટી સરપંચ ડો.કેતનભાઈ જોશીએ જિલ્લાવાસીઓને કર્યો હતો.


