વિદેશી કંપનીઓએ ગુજરાતના રાયડા તેલની ગુણવત્તા ચકાસવા મુલાકાત લીધી
ગુજરાતમાં ઉત્પાદિત થતા રાયડા તેલની ગુણવત્તા અને નિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરવા માટે અમેરિકા અને નેધરલેન્ડની આયાત-.નિકાસનું કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ ડીસા માર્કેટયાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાતથી રાજ્યના રાયડા તેલને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ મળી રહેવાની સંભાવના વધી છે.
ડીસા માર્કેટયાર્ડ ખાતેની મુલાકાત દરમિયાન, વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ અહીંના રાયડાના જથ્થાની ચકાસણી કરી હતી.આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ. એન. જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રાયડો ઉત્પાદિત થાય છે, તેમાં યુરેકિક એસિડનું પ્રમાણ લગભગ 47 થી 48 ટકા જેટલું હોય છે. આ યુરેકિક એસિડનો ઉપયોગ ફોરેનમાં વાહનોના કાચ અને અન્ય વસ્તુઓના નિર્માણમાં થતો હોવાથી, આ તેલની ગુણવત્તાની નિકાસ માટે ખૂબ જ સારી માંગ છે.નેધરલેન્ડ અને અમેરિકાના નિકાસકારોની આ પાર્ટી સાથે મુંબઈ સ્થિત ડીપી રિફાઇનરીના કન્સલ્ટિંગ એક્સપર્ટ્સ પણ જોડાયા હતા. આ તમામ લોકો રાયડાની ગુણવત્તા અને તેના નિકાસના કામકાજના અભ્યાસ અર્થે ડીસા માર્કેટયાર્ડ આવ્યા હતા.
વેપારીઓના જણાવ્યા અનુસાર, વિદેશી બજારમાં ભારતીય રાયડા તેલની માંગ સારી છે, જેના કારણે આ પાર્ટીઓ માલની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ખાસ અહીં આવ્યા હતા. આ મુલાકાત ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે નિકાસના નવા દરવાજા ખોલી શકે છે.

