અંબાજીમાં ચગડોળ અને રાઈડસ શોની હીલચાલ : પરમીશનનો પ્રશ્ન અધ્ધરતાલ

અંબાજીમાં ચગડોળ અને રાઈડસ શોની હીલચાલ :  પરમીશનનો પ્રશ્ન અધ્ધરતાલ

જો કોઈ મોટી હોનારત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ….??

ગુજરાતમાં વિવિધ સ્થળોએ ભરાતા લોક મેળાઓમાં લોકોના મનોરંજન માટે વિવિધ ચગડોળ તેમજ અન્ય રાઇડસ લગાવાતી હોય છે પરંતુ કેટલીક જગ્યાએ રાઇડ્સ તૂટી પડવાની પણ ઘટનાઓ બનવા પામી છે. જેને લઇ કેટલાક સ્થળોએ રાઇડ્સની પરમિશન આપવામાં આવતી નથી.તેમ છતાં હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત શક્તિપીઠ અંબાજી ધામમાં  હાલ કોઈપણ જાતનો મેળો નથી છતાં અંબાજી ખાતે આવતા યાત્રીકોના મનોરંજનના બહાને તોતિંગ ચગડોળ તેમજ અન્ય જોખમી રાઈડસ લગાવવામાં આવી રહી છે.

હાલ અંબાજી પંથકમાં સતત ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ તમામ રાઈડસમાં વીજળીથી એટલે કે લાઈટ ડેકોરેશન કરવામાં આવતું હોય છે તેમજ આ લાઈટ ડેકોરેશનને ચાલુ વરસાદના કારણે ક્યાંક શોર્ટ સર્કિટ થવાનો પણ ભારે ભય લોકોમાં સતાવી રહ્યો છે. અન્ય કોઈ પણ મેળામાં જીવલેણ નીવડતી રાઈડસને મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે અંબાજી ખાતે કોઈપણ જાતના મેળા કે સીઝન વગર રાઇડસ લગાવવામાં આવી રહી છે.જે માત્ર આયોજકોનો એક ખર્ચો નીકાળવા માટેનો પ્રયોગ હોઈ શકે છે.તેમ જાણકાર લોકોએ જણાવ્યું હતું.

અંબાજી ખાતે ભરાતા ભાદરવી પુનમના મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીકો આવતા હોય છે. તો પણ અગમચેતી દાખવી અંબાજીમાં કોઈ પણ રાઈડસને તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવતી નથી ત્યારે હાલના તબક્કે વગર સીઝને વગર મેળાએ આ મંજૂરી લેવાઈ છે કે કેમ ?? આ પ્રશ્ન સ્થાનિક રહીશો સાથે યાત્રિકોમાં પણ ચર્ચાના ચગડોળે ચડ્યો છે.જો અન્ય સ્થળે ભરાતા મેળાઓમાં આવી રાઇડ તૂટી પડતા જાનહાનીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં કોઈ પણ મેળા વગર તંત્ર દ્વારા તેની મંજૂરી આપવામાં આવશે કે કેમ ? તે પ્રશ્ન પણ ચર્ચાઇ રહ્યો છે. ત્યારે જવાબદાર તંત્ર સત્વરે આ બાબતે ઘટતા પગલાં ભરી ચગડોળ અને રાઈડસ શોના ઉચાળા ભરાવે તેવી સ્થાનિક લોકો સાથે યાત્રિકોની પણ લાગણી પ્રવર્તે છે.

અસામાજીક પ્રવૃતિઓ વધવાની શકયતા

અંબાજી ખાતે ચગડોળ અને રાઈડસ જે સ્થળે  લગાવવામાં આવી રહી છે. જયાં થોડા સમય અગાઉ આવારા તત્વો વચ્ચે તકરારો થઈ હતી.જેને ફરી ભડકાવવા માટે આ જ સ્થળે જીવલેણ રાઈડસ લગાવવામાં આવી રહી છે.જેથી આવારા તત્વો દ્વારા માથાકૂટો ને તકરારો થવાનો પણ સ્થાનિક લોકોમાં ભય સેવાઈ રહ્યો છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *