અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓએ ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવી જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ સ્થિતિમાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની આરામદાયક વ્યવસ્થાઓ અને ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, ઉનાળાની ગરમીમાં હીટવેવની અસર દેખાઈ રહી છે ત્યારે અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર સહિતના એરિયામાં વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. યાત્રાળુઓને ગરમીથી રાહત આપવા માટે પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને ઍર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલ ફુવારા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટેનું આયોજન કરાયું છે.
જિલ્લા કલેકટરએ અંબાજી ખાતે આવતા દર્શનાર્થીઓને ગરમી થી બચવા માટે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને ગરમીના કારણે તબિયત ન બગડે તે માટે છાંયામાં રહેવું, પૂરતું પાણી પીતા રહેવું અને જરૂર પડે ત્યારે તાત્કાલિક મંદિર સ્ટાફ અથવા મેડિકલ સેન્ટરનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રાજસ્થાનના ઉદયપુરથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ સિદ્ધાર્થ જોશીએ જણાવ્યું કે, ગરમીના સમયમાં મંદિર ખાતે ઉભી કરાયેલી સુવિધાઓથી અભિભૂત છું. શ્રદ્ધાળુઓને ધ્યાને રાખીને આરામદાયક સુવિધાઓ ઉભી કરાઈ છે. નડિયાદના રામપુર ગામથી અંબાજી મંદિર ખાતે આવેલા શ્રદ્ધાળુ શોભનાબેન પટેલે જણાવ્યું કે, સખત ગરમીમાં અહીં ઠંડુ પાણી, છાસ, જમવાનું, મંડપ અને કુલર સહિતની સુવિધા મળી છે તેના માટે તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અંબાજી ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ ઉભી કરાઈ છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
રાજ્યના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રાજ્યમાં ઉનાળાની ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ અને તંત્રનો આભાર વ્યક્ત કરે છે.


